કચ્છ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ડીકોય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના આદીપુર વિસ્તારમાં ઈ-સ્ટેમ્પ કાઢી આપવા માટે નક્કી દર કરતાં વધુ રકમ વસૂલાત થતી હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી કરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી. ગાંધીધામને માહિતી આપવામાં આવી હતી કે, આદીપુર વિસ્તારમાં કેટલાક સ્ટેમ્પ વેન્ડરો અરજદારો પાસેથી ઈ-સ્ટેમ્પ માટે કાયદેસરની ફી કરતાં વધુ રકમ વસૂલ કરી રહ્યા છે. આ હકીકતની ચકાસણી કરવા માટે એ.સી.બી.એ ખાનગી રાહે વોચ ગોઠવી અને ડીકોય ટ્રેપનું આયોજન કર્યું હતું.
ડીકોય કાર્યવાહી દરમિયાન આરોપી તરીકે અનીલભાઈ સોમદત્ત નાથાણી, જે એડવોકેટ તેમજ ઈ-સ્ટેમ્પિંગ વેન્ડર તરીકે કાર્યરત છે, અને જૈનીબેન નીતીનભાઈ સોની નામની મહિલાએ ડીકોયર પાસેથી ઈ-સ્ટેમ્પ માટે કાયદેસર રકમ ઉપરાંત રૂ. ૩૩૦ની માંગણી કરી હતી. તપાસ દરમિયાન આરોપી નં. ૦૨ જૈનીબેન સોનીએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી વધુ રકમ સ્વીકારી અને ત્યારબાદ તે રકમ આરોપી નં. ૦૧ અનીલભાઈ નાથાણીને આપી હતી.
એ.સી.બી.ની ટીમે સ્થળ ઉપર જ કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડી લાંચરૂપે લેવાયેલ રૂ. ૩૩૦ની રકમ કબજે લીધી હતી. આ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર ડીકોય કાર્યવાહીનું ટ્રેપિંગ કાર્ય શ્રી જે.બી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, કચ્છ (પૂર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ દ્વારા હાથ ધરાયું હતું. કામગીરી પર સુપરવિઝન શ્રી કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ ભુજ દ્વારા રાખવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ અધિકારી તરીકે શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ રહ્યા હતા.
એ.સી.બી. દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સરકારી કે અર્ધસરકારી કામ માટે ગેરકાયદેસર રકમની માંગણી થાય તો તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કરી માહિતી આપવી.
Post Views: 72










