પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વા આત્મઘાતી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું, 8ના મોત અને અનેક ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મંગળવારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં અંદાજે 8 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ધમાકા બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. વહીવટીતંત્રે હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

આ પણ વાંચો…

હંતા વાયરસ વચ્ચે કોરોનાનો નવો વેરિઅન્ટ મળ્યો: શું તે જીવલેણ સાબિત થઈ શકે?

ઓટો રિક્ષામાં આવ્યો હતો હુમલાખોર

જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલી થ્રી-વ્હીલર ઓટો રિક્ષામાં સવાર હતો. આ વિસ્ફોટ વ્યસ્ત નૌરંગ બજાર વિસ્તારના ફાટક ચોક પર થયો હતો.અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં ટ્રાફિક પોલીસના બે અધિકારીઓ અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ સંવેદનશીલ વિસ્તારમાં અગાઉ પણ અનેક આતંકી ઘટનાઓ બની ચુકી છે. પ્રાથમિક તપાસમાં શંકા સેવવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ પાકિસ્તાની તાલિબાન (TTP) સાથે જોડાયેલા આતંકીઓનો હાથ હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે આની જવાબદારી સ્વીકારી નથી. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાંતીય સરકારની કાર્યવાહી

ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મોહમ્મદ સુહૈલ અફરીદીએ પોલીસ મહાનિરીક્ષક (IG) પાસે આ હુમલા અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સરકારી મદદની ખાતરી આપી છે.

અન્ય એક દુર્ઘટના: જાનૈયાઓથી ભરેલી વેન ખીણમાં ખાબકી

આ પહેલા સોમવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક લગ્ન પ્રસંગમાં જઈ રહેલી વેન ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વરરાજાની માતા સહિત 11 લોકોના મોત થયા હતા.જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વાના સ્વાત જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ ‘મલમ જબ્બા’ પાસે બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE