દુનિયા હજુ હંતા વાયરસ (Hanta Virus) ના ખતરામાંથી સંપૂર્ણપણે બહાર આવી નથી, ત્યાં જ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના એક નવા જૂથની ઓળખ કરીને વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓની ચિંતામાં વધારો કર્યો છે. જાપાન અને થાઈલેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં ચામાચીડિયામાં એવા નવા કોરોના વાયરસ મળી આવ્યા છે.જેમાં માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ રિસર્ચ The University of Tokyo અને Chulalongkorn University ના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કર્યું છે. સંશોધનના પરિણામો પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ ‘Cell’ માં 6 મે 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…
હિમંત બિસ્વા સરમાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, પીએમ મોદી પણ રહ્યા હાજર
ચામાચીડિયામાં મળ્યું કોરોના વાયરસનું નવું જૂથ
વૈજ્ઞાનિકોએ થાઈલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં વસતા ઘોડાની નાળ જેવા ચહેરાવાળા ચામાચીડિયા (Horseshoe bats) ના નમૂનાઓમાં કોરોના વાયરસના નવા જૂથની ઓળખ કરી છે. રિસર્ચ ટીમે તેને “ક્લેડ બી” (Clade B) નામ આપ્યું છે.
સંશોધકોના મતે, આ નવો વાયરસ સમૂહ સાર્સ-કોવ-2 એટલે કે કોવિડ-19 ફેલાવનારા વાયરસને ઘણો મળતો આવે છે. સૌથી ચિંતાની વાત એ છે કે ‘ક્લેડ બી’ વાયરસ માનવ કોષોમાં પ્રવેશવા માટે એ જ રિસેપ્ટરનો ઉપયોગ કરી શકે છે. જેનો ઉપયોગ કોવિડ-19 વાયરસ કરતો હતો.
માણસોમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા પર ચિંતા
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ નવો વાયરસ એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ-2 (ACE2) રિસેપ્ટરનો ઉપયોગ કરી શકે છે. આ જ રિસેપ્ટર કોવિડ-19 વાયરસને માનવ શરીરમાં ચેપ ફેલાવવામાં મદદ કરતું હતું.
જોકે, વૈજ્ઞાનિકોએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ વાયરસ સીધો માણસોમાં ફેલાવા લાગ્યો છે કે તે નવી મહામારીનું કારણ બનશે. હાલમાં આ સંશોધન સંભવિત જોખમ અને ભવિષ્યની તૈયારીઓના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કોવિડ-19 સાથે શું સંબંધ છે?
નિષ્ણાતો કહે છે કે ચામાચીડિયા લાંબા સમયથી કોરોના વાયરસના કુદરતી હોસ્ટ માનવામાં આવે છે. કોવિડ-19 મહામારી પછી દુનિયાભરમાં ચામાચીડિયામાં જોવા મળતા વાયરસ પર સંશોધન તેજ બન્યું છે. આ નવા અભ્યાસનો હેતુ એ સમજવાનો હતો કે કયા વાયરસ ભવિષ્યમાં માણસો સુધી પહોંચી શકે છે અને મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.
હંતા વાયરસની ચિંતામાં વધારો
આ દરમિયાન વિશ્વના અનેક ભાગોમાં Hantavirus સંક્રમણના કેસો પણ ચિંતા વધારી રહ્યા છે. આ વાયરસ મુખ્યત્વે સંક્રમિત ઉંદરોના મળ, મૂત્ર અને લાળના સંપર્કથી ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, સંક્રમિત કણો હવામાં ભળીને શ્વાસ દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે.
હંતા વાયરસના લક્ષણો ગંભીર હોઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં તે જીવલેણ પણ સાબિત થાય છે. જોકે તે કોવિડ-19ની જેમ ઝડપથી ફેલાતો વાયરસ માનવામાં આવતો નથી.નિષ્ણાતોનું કહેવું છે કે, નવા વાયરસની શોધનો અર્થ એ નથી કે તરત જ કોઈ નવી મહામારી આવવાની છે. પરંતુ આ સંશોધન વિશ્વને સાવધ રહેવા અને ભવિષ્યના સંભવિત જોખમો માટે તૈયાર રહેવાનો સંકેત ચોક્કસ આપે છે. વૈજ્ઞાનિકો સતત આ વાયરસ પર નજર રાખી રહ્યા છે.. જેથી કોઈપણ સંભવિત સંક્રમણને શરૂઆતના તબક્કે જ રોકી શકાય.
Post Views: 0











