હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સોમવાર વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 6 પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત ચંબા-નૂરપુર નેશનલ હાઈવે પર કકીરા પાસેના ઘાર વિસ્તારમાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે આશરે 3 વાગ્યે એક ઇનોવા કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી. ગાડીમાં ડ્રાઈવર સહિત કુલ 10 લોકો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ દુર્ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ થયેલા ચારેય લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વાહનમાં સવાર તમામ લોકો ગુજરાતના પ્રવાસીઓ હતા. જેઓ મનાલીથી ડલહૌજી ફરવા જઈ રહ્યા હતા. અકસ્માતગ્રસ્ત ઇનોવા ગાડી મંડી (હિમાચલ) પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું. તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
Post Views: 0











