પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી સફળ: 7 વર્ષની પીડા બાદ યુવાનને મળ્યું નવું જીવન

આરોગ્ય ક્ષેત્રે ઉત્તર ગુજરાતની શાન ગણાતી બનાસ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડગામ તાલુકાના તેનીવાડા ગામના 38 વર્ષીય યુવાનની અતિ જટિલ સર્જરી કરી તબીબોએ તેમને નવું જીવન આપ્યું છે.

શું હતી બીમારી?

તેનીવાડા ગામના દિનેશભાઈ છેલ્લા સાત વર્ષથી અસહ્ય પેટના દુખાવાથી પીડાતા હતા. તેમને 400થી વધુ ડાયાબિટીસ, પાચનમાં તકલીફ અને કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓ હતી. અનેક હોસ્પિટલોમાં સારવાર બાદ પણ કોઈ રાહત મળી નહોતી..આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અમદાવાદ જવું તેમના માટે શક્ય નહોતું. 23 માર્ચે મોડી રાત્રે તેમને ગંભીર હાલતમાં બનાસ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

5 કલાક સુધી ચાલી જટિલ સર્જરી

હોસ્પિટલમાં CT સ્કેન અને MRI રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે દર્દીના પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) માં સોજો અને પથરી છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. કલ્પેશ પટેલ અને તેમની ટીમ (ડૉ. રેખા, ડૉ. સાર્થક, ડૉ. ઋષિ) દ્વારા “લેટરલ પેન્ક્રિયાટિકો જેજુનોસ્ટોમિ” નામની અતિ જટિલ સર્જરી કરવામાં આવી હતી. સતત 5 કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

નિઃશુલ્ક સારવાર અને આધુનિક સુવિધા

ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ અંદાજે 2 લાખ રૂપિયાથી વધુ થાય છે, પરંતુ બનાસ સિવિલમાં આ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી..20 દિવસની સઘન સારવાર બાદ દિનેશભાઈને રજા આપવામાં આવી છે.
આશીર્વાદરૂપ બનતી બનાસ સિવિલ હોસ્પિટલ

વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલ આજે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સંજીવની સમાન બની છે. મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીની દેખરેખમાં અહીં મેડિસિન, સર્જિકલ, ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર દ્વારા દરરોજ 1800 થી વધુ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE