765 કે.વી. હાઇ ટેન્શન લાઇન મુદ્દે AAPની મુખ્યમંત્રીને રજૂઆત, ખેડૂતોની જમીન બચાવવા દરિયાકાંઠાના ખરાબામાં રૂટ બદલવાની માંગ

જોડિયા: કચ્છથી સૌરાષ્ટ્ર સુધી પસાર થનારી 765 કે.વી. હાઇ ટેન્શન વીજ લાઇન માટે ખેડૂતોની ખેતીની જમીનમાં થાંભલા ઉભા કરવાની કામગીરી સામે અનેક વિસ્તારોમાં વિરોધ ઉઠી રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને વૈકલ્પિક રૂટ અપનાવવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે જામનગર, જોડિયા, મોરબી અને માળિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી ખરાબા અને બિનઉપજાઉ જમીન પર વીજલાઇનના થાંભલા ઉભા કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીન બચાવી શકાય.

વશરામભાઈ રાઠોડે જણાવ્યું કે ખેડૂતોની આજીવિકા ખેતી પર નિર્ભર છે અને ખેતરોની વચ્ચેથી હાઇ ટેન્શન લાઇન પસાર થવાથી પાક ઉત્પાદન તથા ખેતીને લાંબા ગાળે અસર પહોંચી શકે છે. તેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખાનગી કંપનીને દરિયાકાંઠાના બિનઉપજાઉ વિસ્તારોમાં વીજલાઇનનું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં વીજલાઇનના થાંભલાઓને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકાર આ રજૂઆતને લઈને શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર મંડાઈ છે.

અહેવાલ: રમેશ ટાંક, જોડિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE