લુણાવાડા ખાતે બ્રિજની ભૌતિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા
લુણાવાડા: મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે લુણાવાડા સ્થિત મહીસાગર બ્રિજની સુરક્ષા અને હાલની સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે સ્થળ પર મુલાકાત લીધી હતી. વહીવટી તંત્રની નિયમિત મોનિટરિંગ કામગીરીના ભાગરૂપે યોજાયેલા આ નિરીક્ષણ દરમિયાન બ્રિજની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક અવલોકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર સાથે લુણાવાડાના મામલતદાર પણ હાજર રહ્યા હતા. બંને અધિકારીઓએ બ્રિજના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરી તેની ટેકનિકલ સ્થિતિ અને સુરક્ષા સંબંધિત પાસાઓની સમીક્ષા કરી હતી.
નિરીક્ષણનો મુખ્ય હેતુ બ્રિજની મજબૂતાઈનું મૂલ્યાંકન કરવો તેમજ તેના પરથી પસાર થતા વાહનવ્યવહારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ વચ્ચે મહત્વના જાહેર માળખાં પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.











