કલેક્ટર અર્પિત સાગરની નાગરિકોને અપીલ – અફવાઓથી દૂર રહો, સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરો
લુણાવાડા: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરે ગુરુવારે મોડી રાત્રે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC)ની ઓચિંતી મુલાકાત લઈને વરસાદી પરિસ્થિતિ અને પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
કલેક્ટરે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મળી રહેલા અહેવાલો, નદી-નાળા અને જળાશયોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ વરસાદી આપત્તિને પહોંચી વળવા માટે તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે.
અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો, નદીકાંઠાના ગામો અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવા તેમજ કોઈપણ માહિતી મળતાની સાથે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને ધસમસતા પ્રવાહમાંથી પસાર ન થવા તેમજ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહી માત્ર જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
જિલ્લા વહીવટી તંત્રે વરસાદી આપત્તિ સંબંધિત કોઈપણ પ્રકારની મદદ અથવા માહિતી માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે.











