વધતા વિપક્ષી દબાણ બાદ સંવાદની શરૂઆતના સંકેત; મેદાંતા હોસ્પિટલમાં થઈ મહત્વપૂર્ણ મુલાકાત
નવી દિલ્હી: જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન અને વધતા રાજકીય દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે સમાધાન તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકને મળવા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
વાંગચૂક છેલ્લા 23 દિવસથી ઉપવાસ પર છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ હોવા છતાં તેમણે ગ્લુકોઝ લેવાનો ઇનકાર કરી પોતાનો ઉપવાસ યથાવત રાખ્યો છે.
આંદોલનને વિપક્ષી પક્ષોનું ખુલ્લું સમર્થન મળતાં સરકાર પર રાજકીય દબાણ વધ્યું છે. આવી સ્થિતિમાં બે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતને સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સંવાદ શરૂ કરવાની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
ચોમાસુ સત્ર પૂર્વે સરકાર આ મુદ્દે ઉકેલ લાવવા ઈચ્છે છે તેવી ચર્ચાઓ વચ્ચે હવે બંને પક્ષો વચ્ચે ઔપચારિક વાતચીત શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે. હાલ સોનમ વાંગચૂકની તબીબી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.










