ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, 150થી વધુ રસ્તા બંધ; મધુબન ડેમમાંથી 99 હજાર ક્યુસેક પાણી છોડાયું
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ (397 મિમી) વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે.
વલસાડના નાનાપોંઢા, પારડી, વાપી અને વલસાડ શહેર ઉપરાંત નવસારીના ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદના કારણે જિલ્લામાં 150થી વધુ માર્ગો અને કોઝવે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે વાપી શહેરના અનેક વિસ્તારો અને રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 1.02 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી ડેમમાંથી આશરે 99 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી બંને કાંઠે વહી રહી છે.
હવામાન વિભાગે આજે વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.










