રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘની પાંચ બેઠકોની ચૂંટણીમાં પરિણામોએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે. ભાજપના મેન્ડેટ અને વ્હિપ વચ્ચે પણ કેટલાક ઉમેદવારોએ બળવો કરી ચૂંટણી લડી હતી. ખાસ કરીને રાદડિયા જૂથ સાથે જોડાયેલા ઉમેદવારોના પ્રદર્શનથી રાજકીય સમીકરણો બદલાતા જોવા મળ્યા.
કુવાડવા અને માધાપરમાં મોટો ઉલટફેર
કુવાડવા બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયાનો વિજય થયો છે. જ્યારે માધાપર બેઠક પર વિજય સખીયાએ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને હરાવ્યા છે. બંને બેઠકોના પરિણામે જૂથવાદની ચર્ચા તેજ બની છે.
હલેન્ડા અને ખોખડદડમાં પણ પરિણામ મહત્વનું
હલેન્ડા બેઠક પર ભાજપના મેન્ડેટ ધરાવતા મહેશ આસોદરિયાએ જીત મેળવી છે. જ્યારે ખોખડદડ બેઠક પર બાબુ નસીત વિજેતા બન્યા છે. આ બેઠક પર એક મતદાર દ્વારા મતદાન ન કરાયું હોવાની પણ માહિતી સામે આવી છે.
ત્રંબામાં ટાઈ બાદ ચિઠ્ઠીથી નિર્ણય
ત્રંબા બેઠક પર નીતિન રૈયાણી અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે મુકાબલો થયો હતો. મતગણતરી દરમિયાન ટાઈની સ્થિતિ સર્જાતા અંતે ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો, જેમાં નીતિન રૈયાણી વિજેતા બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ બેઠકોની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર વ્હિપના અનાદરની ચર્ચા વચ્ચે રાદડિયા જૂથના ટેકેદારોની બે મહત્વની જીતે સહકારી સંસ્થાની ચૂંટણીને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બનાવી દીધી છે.










