રાજકોટ, તા. 22: સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત રહ્યો છે, જ્યારે અરબી સમુદ્રમાં તોફાની પવન અને દરિયામાં કરંટ વધતાં વેરાવળ, અલંગ સહિતના બંદરો પર 3 નંબરના ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે 25થી 28 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગિરનાર પર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, મેંદરડા, ભેસાણ તેમજ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. રાજકોટ અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
દરિયાની વિકટ પરિસ્થિતિને પગલે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને સમુદ્રમાં રહેલી તમામ બોટોને તાત્કાલિક સુરક્ષિત રીતે બંદરે પરત લાવવાની સૂચના આપવામાં આવી છે. બંદર તંત્રે હાઈ એલર્ટ જાહેર કરીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
દરમિયાન ગિરનાર પર 72 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા સતત પાંચમા દિવસે પણ બંધ રાખવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય બન્યા બાદ જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.










