રાજકોટ: રાજકોટ શહેર SOGએ ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં પારસ એપાર્ટમેન્ટ વિસ્તારમાં દરોડો પાડી રીઢા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી મેફેડ્રોન (MD), હાઈબ્રિડ ગાંજો, ચરસ અને સુકો ગાંજો સહિત કુલ ₹9.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલ આરોપી રમેશભાઈ ઉર્ફે મન્નુ કેવડામલ શીવનદાસ ગુલવાણી (ઉ.વ. 46) હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે 190.590 ગ્રામ MD, 98.03 ગ્રામ ચરસ, 80.130 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, 1.730 કિલોગ્રામ સુકો ગાંજો, બે મોબાઇલ, ત્રણ ઇલેક્ટ્રોનિક વજનકાંટા અને પેકિંગ માટેની સામગ્રી કબજે કરી છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી સામે અગાઉ પણ NDPS, પ્રોહિબિશન અને મારામારી સહિતના નવ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પ્રધ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.











