રેતીના કાળા કારોબારમાં ટ્રક દીઠ ₹1,000ની માંગણીનો આક્ષેપ; પ્રેમવતી ભોજનાલય પાસે ACBએ ગોઠવેલા ટ્રેપમાં બંને ઝડપાયા
સુરેન્દ્રનગર: લીંબડી તાલુકાના ઉંટડી ગામમાં રેતીના ગેરકાયદે કારોબારના નામે ચાલી રહેલા ભ્રષ્ટાચારનો સુરેન્દ્રનગર ACBએ પર્દાફાશ કર્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ ગોઠવેલા ટ્રેપમાં સરપંચના પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાને ₹5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ફરિયાદ મુજબ, ગામની હદમાંથી રેતી કાઢવા દેવા બદલ ફરિયાદી પાસે ટ્રક દીઠ ₹1,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ ટ્રક દીઠ ₹100 ગામના ધર્માદામાં આપવા તૈયારી દર્શાવી હોવા છતાં આરોપીઓ લાંચની માંગ પર અડગ રહ્યા હતા. બાદમાં કુલ ₹6.30 લાખની માંગણી કરવામાં આવી હતી, જેનો સોદો ₹5 લાખમાં નક્કી થયો હતો.
લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે લીંબડી હાઇવે ચાર રસ્તા નજીક આવેલા પ્રેમવતી ભોજનાલય ખાતે ટ્રેપ ગોઠવાયો હતો. ટ્રેપ દરમિયાન સંજયભાઈ કમેજળીયાને લાંચની રકમ સ્વીકારતા જ ACBએ ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમના ફોન પરથી સંપર્ક થતાં સ્થળ પર આવેલા ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બંનેએ હોદાનો દુરુપયોગ કરી ગુનાહિત કાવતરું રચી લાંચ લેવાનો ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ અને સુરેન્દ્રનગર ACBની ટીમે મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન તથા નાયબ નિયામક બલદેવસિંહ વાધેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડી હતી.
હાલ બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ: સોહિલ શેખ, ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)











