9 પડતર માંગણીઓનો ઉકેલ લાવવા માંગ; ભરતી, જૂની પેન્શન અને ભથ્થાં સહિતના મુદ્દે સરકાર સામે રોષ
મોરબી: લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓના ઉકેલની માંગ સાથે પોસ્ટલ કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે વિરોધનો સૂર ઉંચો કર્યો છે. મોરબીમાં પોસ્ટલ કર્મચારીઓએ ફરજ દરમિયાન હાથ પર કાળી પટ્ટી બાંધી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, અનેક રજૂઆતો છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે હવે આંદોલનને વધુ તેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે તો 5 ઓગસ્ટથી દેશવ્યાપી હડતાળ શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
પોસ્ટલ કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી, ગ્રામીણ ડાક સેવકોને વધુ સુવિધાઓ અને લાભ, જૂની પેન્શન યોજના પુનઃ અમલમાં મૂકવી, વિવિધ ભથ્થાંમાં વધારો તેમજ કર્મચારીઓના હિત સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કર્મચારીઓએ જણાવ્યું કે સરકાર તેમની માંગણીઓ પ્રત્યે ગંભીરતા નહીં દાખવે તો વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેના કારણે દેશભરની પોસ્ટલ સેવાઓ પર સીધી અસર પડી શકે છે.











