સેવાભાવી રિક્ષાચાલક ત્રિકમભાઈ રાઠોડનું હાર્ટ એટેકથી અવસાન: જેતપુર પંથકમાં શોકની લાગણી

ગરીબો અને નિરાધાર દર્દીઓની નિઃસ્વાર્થ સેવા માટે જાણીતા ત્રિકમભાઈની વિદાયથી માનવસેવાના ક્ષેત્રે ખોટ

જેતપુર: જેતપુર તાલુકાના ડેડરવા ગામના વતની અને સેવાભાવી રિક્ષાચાલક ત્રિકમભાઈ રાઠોડનું ગત રાત્રે અચાનક હાર્ટ એટેક આવતાં દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર પ્રસરી જતાં ડેડરવા ગામ સહિત સમગ્ર જેતપુર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માનવસેવાને જીવનનો ધર્મ માનનારા ત્રિકમભાઈની વિદાયથી ગરીબો અને જરૂરિયાતમંદ લોકોએ એક સાચો હમદર્દ ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે.

આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી આવતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતાં ત્રિકમભાઈએ વર્ષો સુધી સમાજસેવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવથી કર્યું હતું. જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ, લાચાર અને નિરાધાર દર્દીઓની સેવા માટે તેઓ હંમેશા ખડેપગે રહેતા હતા.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરી મદદ પહોંચાડવાથી લઈને તેમના પરિવારજનોને હૂંફ આપવી તેમજ કોઈ વારસદાર ન હોય એવા મૃતદેહોના અંતિમ સંસ્કાર સુધીની જવાબદારી પણ તેઓ નિઃસ્વાર્થ રીતે નિભાવતા હતા. માનવતાની સુગંધ ફેલાવતી તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે તેઓ સમગ્ર વિસ્તારમાં વિશેષ આદર અને સન્માન પામ્યા હતા.

સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ જણાવ્યું કે ત્રિકમભાઈએ ક્યારેય પોતાની આર્થિક પરિસ્થિતિને સમાજસેવાની આડે આવવા દીધી નહોતી. કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં હોવાનું જાણવા મળતાં તેઓ તરત મદદ માટે પહોંચી જતા હતા. તેમના સેવાભાવ, સાદગી અને નિઃસ્વાર્થ જીવનશૈલીને કારણે તેઓ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

ત્રિકમભાઈ રાઠોડના નિધનથી સમગ્ર પંથકે એક માનવતાવાદી સેવક ગુમાવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વિવિધ સામાજિક, ધાર્મિક તથા સેવાકીય સંસ્થાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE