રાજકોટમાં દબાણ હટાવ અભિયાન તેજ: 142 રેકડી-કેબીન અને 3,122 બોર્ડ-બેનર જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાની પખવાડિયાની કાર્યવાહી દરમિયાન ₹3.79 લાખથી વધુનો વહીવટી ચાર્જ અને ભાડું વસૂલાયું

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ શહેરમાં જાહેર માર્ગો પરના અસ્થાયી દબાણો દૂર કરવા માટે હાથ ધરેલા વિશેષ અભિયાન દરમિયાન નોંધપાત્ર કાર્યવાહી કરી છે. તા. 16 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને કુલ 142 રેકડી-કેબીન, 3,122 બોર્ડ-બેનર, 511 પરચુરણ સામાન તેમજ 2,109 કિલોગ્રામ શાકભાજી, ફળ અને ફૂલ જપ્ત કરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબિલી વિસ્તાર, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કોઠારિયા રોડ, મવડી મેઈન રોડ સહિતના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ મંડપ, કમાન અને છાજલી માટે ₹51,250નું ભાડું વસૂલ્યું હતું. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ કરનારાઓ પાસેથી ₹3,27,775નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આમ કુલ મળીને ₹3,79,025ની વસૂલાત કરવામાં આવી છે.

દબાણ હટાવ શાખાના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે, જાહેર માર્ગો પર અવરજવરમાં કોઈ અડચણ ન સર્જાય અને શહેર વધુ સ્વચ્છ રહે તે હેતુથી આ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાએ વેપારીઓ અને નાગરિકોને જાહેર રસ્તાઓ પર દબાણ ન કરવા તેમજ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE