મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી રેલવે વ્યવહાર ઠપ્પ: રાજકોટ-મુંબઈ સહિત અનેક ટ્રેનો રદ, મુસાફરો મુશ્કેલીમાં

મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેક પર પાણી ભરાયા; ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેની ટ્રેન સેવાઓ પર મોટી અસર

રાજકોટ: મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન સાથે રેલવે વ્યવહારને પણ ભારે અસર પહોંચાડી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ટ્રેક પર પાણી ભરાઈ જતાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી અનેક ટ્રેનોના સંચાલનમાં વિક્ષેપ સર્જાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જતી અને મુંબઈથી સૌરાષ્ટ્ર આવતી અનેક ટ્રેનો રદ કરાતા હજારો મુસાફરો અટવાઈ ગયા છે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે ગઈકાલે દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ–ઓખા સૌરાષ્ટ્ર મેઈલ, બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરંતો એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી.

આજે પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો ન થતાં દાદર–સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, પોરબંદર–દાદર એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ–આસનસોલ એક્સપ્રેસ સહિત રાજકોટ, ભાવનગર, વેરાવળ અને પોરબંદરથી મુંબઈ જતી ચાર ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ–મુંબઈ રૂટની કેટલીક ટ્રેનો પણ અસરગ્રસ્ત બની છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સુરક્ષાના કારણોસર ટ્રેન વ્યવહાર અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને ટ્રેનની તાજી માહિતી માટે 139 હેલ્પલાઇનનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

ટ્રેનો રદ થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરોને મુસાફરી માટે ખાનગી બસો અને રોડ માર્ગનો સહારો લેવો પડી રહ્યો છે. હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ જ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત્ થવાની શક્યતા હોવાનું રેલવે વિભાગે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE