દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત; આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. એકસાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ કાર્યરત થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાર આંકડાઓમાં સૌરાષ્ટ્ર 26.79 ટકા વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપર, તેમજ દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓ હજુ પણ નોંધપાત્ર વરસાદથી વંચિત રહ્યા છે.
હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમરેલી, તાપી અને ભાવનગરના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને ઉગ્ર સમુદ્રી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગ તથા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.










