ગુજરાતના 11 ડેમ હાઈ એલર્ટ પર, પાંચ જળાશયો ઓવરફ્લો: રાજકોટના મોટાભાગના ડેમોમાં હજુ પાણીની અછત યથાવત

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીરની ધોધમાર આવક; રાજકોટ જિલ્લામાં 27માંથી 22 ડેમ હજુ પણ 30 ટકાથી ઓછા ભરાયેલા

ગાંધીનગર/રાજકોટ: રાજ્યમાં સક્રિય થયેલી પાંચથી વધુ વરસાદી સિસ્ટમોના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત રહેતાં અનેક જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા અહેવાલ મુજબ હાલમાં રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ, 4 ડેમ એલર્ટ અને 6 ડેમ વોર્નિંગ લેવલ પર પહોંચી ગયા છે, જ્યારે 5 જળાશયો સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાઈ ગયા છે.

સંપૂર્ણ ભરાયેલા ડેમોમાં અમરેલીના ધાતરવાડી અને સુરજવાડી, ભાવનગરના માલણ અને શેત્રુંજી તેમજ તાપીના ડોસવાડા ડેમનો સમાવેશ થાય છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને સંબંધિત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

હાઈ એલર્ટ પર રહેલા જળાશયોમાં મહુવાનો રોજકી, ધારીનો ખોડિયાર, ઉમરાળાનો રંઘોળા, બાલાસિનોરનો વણાંકબોરી, ખાંભાનો રાયડી અને વઢવાણનો ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે. જ્યારે ધાતરવાડી-2, વાંસલ, બાંટવા ખારો અને રાવલ ડેમ એલર્ટ પર તથા શેલ દેદુમલ, વેણુ-2, સારણ, આજી-2, સુખી અને કાળુભાર ડેમ વોર્નિંગ લેવલ પર છે.

રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં હાલમાં 64.98 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જ્યારે જરૂરી મુજબ નિયંત્રિત રીતે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 40.01 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. તેમાં 5 ડેમ 100 ટકા, 17 ડેમ 70થી 100 ટકા, 21 ડેમ 50થી 70 ટકા, 54 ડેમ 25થી 50 ટકા અને 109 ડેમ હજુ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

રાજકોટ જિલ્લામાં વરસાદ છતાં જળસંગ્રહની સ્થિતિ હજુ ચિંતાજનક છે. જિલ્લાના 27 જળાશયોમાંથી માત્ર પાંચ ડેમમાં જ સંતોષકારક જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે 22 ડેમોમાં હજુ માત્ર 2થી 30 ટકા પાણી ઉપલબ્ધ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1, આજી-3, ન્યારી-2, ભાદર-2, કર્ણુકી, માલગઢ, મચ્છુ-2 અને બ્રાહ્મણી-2 સહિતના જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે.

રાજકોટ નજીકનો લાલપરી ડેમ 70 ટકા સુધી ભરાઈ ગયો છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સંભવિત ઓવરફ્લોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે નવાગામ, બેડી અને નદીકાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે.

જિલ્લાના ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, ખોડાપીપર, છાપરવાડી-1, છાપરવાડી-2, ઈશ્વરીયા, કરમાળ, કર્ણુકી અને માલગઢ સહિતના 10 જળાશયો હજુ પણ લગભગ ખાલી સ્થિતિમાં છે. ભારે વરસાદ છતાં રાજકોટ જિલ્લામાં હજુ પૂરતા જળસંગ્રહ માટે આગામી વરસાદ પર મોટી આશા ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE