જન્મદિવસની ઉજવણી બાદ પરત ફરી રહેલા મિત્રો અકસ્માતનો ભોગ બન્યા; પૂર્વ ધારાસભ્યોના પરિવારને એકસાથે મોટો આંચકો
મૈહર (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં નેશનલ હાઈવે-30 પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. રીગરા ગામ નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલી એસયુવી કાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ જોરદાર અથડાતાં સમગ્ર કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો.
ટક્કર એટલી પ્રચંડ હતી કે કારમાં સવાર પાંચેય યુવકોને બચાવવાનો કોઈ મોકો મળ્યો નહોતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મૃતદેહો તથા ઘાયલ યુવકને બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ મિત્રો અમરપાટન જનપદ ઉપાધ્યક્ષ મનોજ પટેલના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઓમ પટેલને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જબલપુર રેફર કરવામાં આવ્યો છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવકો પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ પટેલ તથા દિવંગત પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મથુરા પટેલના પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે સગા ભાઈઓ પણ સામેલ હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ટ્રક ચાલકના પ્રાથમિક નિવેદન અનુસાર કારની ઝડપ ખૂબ જ વધારે હતી અને ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે ટેક્નિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.










