રાજકોટ મહાનગરપાલિકાનો સ્વચ્છતા માટે નવતર પ્રયોગ, નદીમાં તણાઈ આવતો પ્લાસ્ટિક અને કચરો હવે બેરિયર પાસે જ રોકાશે
રાજકોટ: શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા અને **સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE)**ના સંયુક્ત પ્રયાસોથી આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ બેરિયર (Trash Barrier) સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે HDB Financial Services દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.
આ ટ્રેશ બેરિયરના કારણે નદીમાં પાણી સાથે તણાઈ આવતો પ્લાસ્ટિક, ગાંડીવેલ તેમજ અન્ય તરતો કચરો આગળ વધવાને બદલે બેરિયર પાસે જ અટકી જશે. પરિણામે રામનાથપરા મહાદેવ મંદિર આસપાસનો વિસ્તાર વધુ સ્વચ્છ અને કચરામુક્ત રહેશે તેમજ નદીની સ્વચ્છતા જાળવવામાં પણ મદદ મળશે.
મહાનગરપાલિકા દ્વારા બેરિયર પાસે એકત્રિત થતા કચરાનો સમયાંતરે નિયમિત ઉપાડ કરીને તેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે, જેથી નદીમાં પ્રદૂષણ ઘટે અને જળસ્ત્રોતોનું સંરક્ષણ થઈ શકે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય હેતુ નદીમાં પ્રદૂષણ ઘટાડવો, ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જાળવવી અને પર્યાવરણ સંરક્ષણને વધુ પ્રોત્સાહન આપવાનો છે. આગામી સમયમાં પણ શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી આવા વધુ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરજનોને પણ અપીલ કરી છે કે નદી, નાળા તથા જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને સ્વચ્છ રાજકોટના નિર્માણમાં સક્રિય સહભાગી બની પર્યાવરણ સંરક્ષણમાં પોતાનો ફાળો આપે.











