આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા, ખેલાડીઓને વધુમાં વધુ લાભ લેવા અપીલ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ મવડી ખાતે આવેલા અદ્યતન **’શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’**ની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને રાજકોટ મહાનગરપાલિકાની સંયુક્ત એસપીવી ‘રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન (RSPF)’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચેરમેનશ્રીએ શહેરના રમતવીરો અને નાગરિકોને આ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મુલાકાત દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર (હેડક્વાર્ટર) વી.ડી. ઘોણીયા, રેસકોર્સ સંકુલના મેનેજર હિતેશ ભસોટિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર (રોશની) લક્ષ્મણભાઈ પરમાર તેમજ RSPFના સીઓઓ રાજદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ચેરમેનશ્રીને કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ તમામ રમતગમત સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ 8 ઇન્ડોર અને 4 આઉટડોર રમતો માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. ખેલાડીઓ દિવસ અને રાત બંને સમયે રમતોનો અભ્યાસ કરી શકે તે માટે 10 હાઈ માસ્ટ લાઇટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઇન્ડોર વિભાગમાં 10 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ ટેબલ, 2 સ્ક્વોશ કોર્ટ, 10 મીટર શૂટિંગ રેન્જ, મલ્ટી વુડન કોર્ટ, જીમ અને યોગા સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે આઉટડોર વિભાગમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, ક્લે વોલીબોલ કોર્ટ, ક્લે કબડ્ડી કોર્ટ તેમજ બે સિન્થેટિક ટેનિસ કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ઉભી કરાયેલી આ વિશ્વસ્તરીય સુવિધાઓનો શહેરના ખેલાડીઓ અને રમતપ્રેમીઓ વધુમાં વધુ ઉપયોગ કરે તે જરૂરી છે. તેમણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને રાજ્યના અગ્રણી રમતગમત કેન્દ્રોમાં સ્થાન અપાવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી.











