જેતપુરની ભાદર નદીમાં કેમિકલ જેવા ફીણના ગોટેગોટા: કેરાળી પાસે બરફની ચાદર જેવા દૃશ્યો, પ્રદૂષણ મુદ્દે ફરી ઉઠ્યા સવાલો

વરસાદ બાદ ચેકડેમ છલકાતાં નદીમાં સફેદ ફીણ દેખાયો; ગ્રામજનોએ પ્રદૂષિત પાણી છોડવાનો આક્ષેપ કર્યો, ડાઈંગ એસોસિએશને આરોપો ફગાવ્યા

જેતપુર: સાડી ઉદ્યોગ માટે જાણીતા જેતપુરમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. છેલ્લા બે દિવસના ભારે વરસાદ બાદ જેતપુર તાલુકાના કેરાળી ગામ નજીક ભાદર નદીમાં મોટા પ્રમાણમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા. ચેકડેમનો મોટો ભાગ ફીણથી ઢંકાઈ જતાં જાણે બરફની સફેદ ચાદર પથરાઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.

સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વરસાદના કારણે ઉપરવાસના ચેકડેમો ભરાતા કેટલાક તત્વોએ તકનો લાભ લઈને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડ્યું છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષોથી આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે, જેના કારણે નદીનું પાણી પ્રદૂષિત બને છે અને પશુધન તેમજ ખેતીને નુકસાન પહોંચવાની ભીતિ રહે છે.

ગ્રામજનોનો દાવો છે કે પ્રદૂષિત પાણીના કારણે પશુઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે અને આસપાસની ખેતીલાયક જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. કેટલાક સ્થાનિકોએ પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત તંત્ર સામે પણ કાર્યવાહી ન થવાના આક્ષેપો કર્યા છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

બીજી તરફ, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાએ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી ડાઈંગ ઉદ્યોગના કારખાનાઓ બંધ હોવાથી ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ વરસાદ દરમિયાન શહેરો અને ગામોમાંથી સાબુ તથા અન્ય તત્વો ધરાવતું ઘરેલું ગંદુ પાણી નદીમાં ભળે છે. પાણીનો પ્રવાહ પથ્થરો સાથે અથડાતાં કુદરતી રીતે ફીણ સર્જાતો હોય છે અને આવી સ્થિતિ દર વર્ષે પ્રથમ વરસાદ દરમિયાન અન્ય નદીઓમાં પણ જોવા મળે છે.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પર્યાવરણને લગતી ચિંતાઓ વચ્ચે હવે સંબંધિત વિભાગો દ્વારા પાણીના નમૂનાઓની તપાસ અને ફીણનું ચોક્કસ કારણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE