આઈપીએલ 2026નો ક્વોલિફાયર-2 મુકાબલો આજે એટલે કે શુક્રવાર, 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢ સ્થિત મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.જ્યાં 31 મેના રોજ તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાતની ટીમને ક્વોલિફાયર-1માં આરસીબી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને શાનદાર અંદાજમાં ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી છે. હવે ફાઇનલની ટિકિટ માટે બંને ટીમો વચ્ચે રોમાંચક જંગ ખેલાય તેવી પૂરી સંભાવના છે.
ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ હેડ-ટુ-હેડ રેકોર્ડ: જો બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ છે. જેમાંથી ગુજરાત સામે 7 અને રાજસ્થાને 3 મેચ જીતી છે. જોકે, આ સિઝનમાં બંને ટીમોએ એકબીજા સામે 1-1 મેચ જીતી છે. તેથી ક્વોલિફાયર-2માં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
આ પણ વાંચો:
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો તાંડવ: પુણેના 5 વિસ્તારોમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત
પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ: મુલ્લાંપુરની પિચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. આઈપીએલ 2026ની શરૂઆતમાં અહીં 220 અને 223 જેવા મોટા લક્ષ્યાંકો સરળતાથી પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, સિઝન આગળ વધવાની સાથે પિચ થોડી ધીમી અને ઘસાયેલી જોવા મળી રહી છે, જેનાથી બોલરોને પણ મદદ મળવાની આશા છે. ગુરુવારે સાંજે તેજ પવન અને વાદળોના કારણે પિચને ઢાંકીને રાખવામાં આવી હતી. જેથી શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરે હળવો વરસાદ કે કરા પડવાની સંભાવના છે. પરંતુ મેચ પર તેની ખાસ અસર પડવાની આશા નથી. આવા સંજોગોમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
મુલ્લાંપુર સ્ટેડિયમના આઈપીએલ આંકડા: આ મેદાન પર અત્યાર સુધીમાં 16 મેચ રમાઈ છે. તેમાંથી 8 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 8 મેચ ચેઝ કરનારી ટીમના નામે રહી છે. ટોસ જીતનારી ટીમોએ 10 મેચોમાં જીત મેળવી છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 254/7 રહ્યો છે. જ્યારે સૌથી સફળ રન ચેઝ 223/4 નો છે. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 185 રનની આસપાસ રહ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, અહીં હાઈ-સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે.
આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે નજર: રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમણે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 97 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિઝનમાં તેઓ અત્યાર સુધીમાં 650થી વધુ રન બનાવી ચૂક્યા છે અને ટીમ ફરી એકવાર તેમની પાસેથી મોટી ઇનિંગની આશા રાખશે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓપનર સાઇ સુદર્શન પણ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે આઈપીએલ 2026માં અત્યાર સુધી 46.57ની એવરેજ અને 157.86ના દમદાર સ્ટ્રાઇક રેટથી 657 રન બનાવ્યા છે. ગુજરાત માટે તેમની શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બોલિંગમાં કગિસો રબાડા પર સૌની નજર રહેશે. રબાડા આ સિઝનમાં શાનદાર લયમાં જોવા મળ્યા છે અને અત્યાર સુધી 21.03ની એવરેજથી 26 વિકેટ ઝડપી ચૂક્યા છે. તેમનો ઇકોનોમી રેટ 9.48 રહ્યો છે, પરંતુ વિકેટ લેવાની તેમની ક્ષમતા તેમને અત્યંત ખતરનાક બનાવે છે.
બંને ટીમોની સ્ક્વોડ:
ગુજરાત ટાઇટન્સ: સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, કુલવંત ખેજરોલિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, આર સાઇ કિશોર, લ્યુક વુડ, કોનર એસ્ટરહુઇઝન, ઇશાંત શર્મા, જયંત યાદવ, શાહરૂખ ખાન, માનવ સુથાર, અર્શદ ખાન, ગુરનૂર બ્રાર અને અશોક શર્મા.
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સુશાંત મિશ્રા, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા, શુભમ દુબે, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, એડમ મિલ્ને, શિમરોન હેટમાયર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ક્વેના મફાકા, સંદીપ શર્મા, કુલદીપ સેન, યુદ્ધવીર સિંહ ચરક, ઇમાનજોત સિંહ ચહલ અને વિગ્નેશ પુથુર.
Post Views: 57











