વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 29 મે 2026ના રોજ ડેના ચોકડીથી ગોલ્ડન ચોકડી રોડ પર કરવામાં આવેલી પ્રોહિબિશન રનિંગ રેડ દરમિયાન ટ્રક ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)નો મોટો જથ્થો ઝડપાયો હતો.
SMC ટીમે કાર્યવાહી દરમિયાન અંદાજે ₹64.65 લાખ કિંમતની IMFL બોટલો અને ટીન કબ્જે કર્યા હતા. ઉપરાંત ₹25 લાખ કિંમતનો ટ્રક ટેન્કર, બે મોબાઇલ ફોન તથા એક ગેસ સિલિન્ડર સહિત કુલ ₹89.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ટ્રક ટેન્કરનો ડ્રાઇવર રેખારામ મોતીરામ જાટ, રહે. નિમ્બાજ, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર (રાજસ્થાન)ને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. જ્યારે દારૂ સપ્લાય કરનાર અને રિસીવર સહિત કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
SMCના PSI સી.કે. સિસોદિયા તથા તેમની ટીમે સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી. હાલ હરણી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Post Views: 27










