દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં થયેલા પેપર લીક વિવાદ બાદ, પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું (એફિડેવિટ) દાખલ કર્યું છે. NTA એ સર્વોચ્ચ અદાલતને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ભૂતકાળના વિવાદોમાંથી પાઠ ભણીને એજન્સીએ સમગ્ર પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણ પારદર્શક અને ફૂલપ્રૂફ બનાવવા માટે મોટા પાયે આધુનિક સુરક્ષા સુધારા અમલમાં મૂક્યા છે.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં ‘ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન’ (FAIMA) અને ‘યુનાઈટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ’ (UDF) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં NTA દ્વારા આ હલફનામું રજૂ કરવામાં આવ્યું છે. આ અરજીઓમાં NEET-UG ના આયોજનમાં થયેલી કથિત અનિયમિતતાઓને ટાંકીને પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાના માળખામાં વ્યાપક અને કડક બદલાવ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : જામીન મળ્યાના જ દિવસે કેદીની મુક્તિ ફરજિયાત
હાઈ લેવલ સ્ટીયરિંગ કમિટીની ભલામણો સ્વીકાઈ NTA એ કોર્ટને માહિતી આપતા જણાવ્યું છે કે, પરીક્ષાની પવિત્રતા અને ગોપનીયતા જાળવી રાખવા માટે એક ખાસ ‘હાઈ લેવલ સ્ટીયરિંગ કમિટી’ (HPSC) ની રચના કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય સમિતિએ ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સમિતિ દ્વારા પરીક્ષા પૂર્વે, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછીના એમ ત્રણેય તબક્કાઓ માટે અત્યંત કડક સુરક્ષા પ્રોટોકોલની ભલામણ કરવામાં આવી છે, જેને એજન્સીએ સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.
પરીક્ષા કેન્દ્રો પર તૈનાત થશે કડક સુરક્ષા સિસ્ટમ નવા નિયમો અનુસાર, હવેથી તમામ પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત લાઈવ CCTV મોનિટરિંગ કરવામાં આવશે અને આ ડિજિટલ ફૂટેજને પરિણામ જાહેર થયા બાદ પણ ઓછામાં ઓછા ૯૦ દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. આ સાથે જ પરીક્ષા શરૂ થવાના બરાબર એક અઠવાડિયા પહેલા તમામ પરીક્ષા કેન્દ્રોનું વિગતવાર અને સઘન ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. વળી, કોઈપણ ટેકનિકલ ખામી નિવારવા માટે કેન્દ્રો પર અગાઉથી મૉક ડ્રિલ આયોજિત થશે અને અવિરત પાવર બેકઅપ સિસ્ટમનું વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત, અચાનક વાતાવરણ પલટાય તો તેની આકસ્મિક યોજના (Weather-based Emergency Plan) પણ તૈયાર રખાશે અને તમામ સેન્ટર્સ પર તાત્કાલિક ઈમરજન્સી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
ગેરરીતિ પકડવા સીસીટીવીનું થશે ‘ફોરેન્સિક એનાલિસિસ’ NTA એ સોગંદનામામાં સૌથી મહત્વની અને નવીન વાત એ કહી છે કે, હવેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ કેન્દ્રોના CCTV ફૂટેજનું અદ્યતન ‘ફોરેન્સિક એનાલિસિસ’ (Forensic Analysis) કરવામાં આવશે. આ ડિજિટલ તપાસ એટલા માટે અનિવાર્ય કરાઈ છે જેથી પરીક્ષા દરમિયાન લાઈવ મોનિટરિંગ વખતે જે ખામીઓ કે શંકાસ્પદ હિલચાલ તાત્કાલિક ધ્યાને ન આવી શકી હોય, તેને પાછળથી પણ પકડી શકાય અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય. NTA એ દાવો કર્યો છે કે આ તકનીકી સુધારાઓથી ભવિષ્યમાં પેપર લીક કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવાની સંભાવના નહિવત થઈ જશે.
Post Views: 32










