રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી બચવા માટે જળાશયો અને સ્વિમિંગ પૂલ તરફ નજર દોડાવી રહ્યા છે. ત્યારે માણાવદરના નાગરિકોને પોતાના જ શહેરના એક એવા ભવ્ય વારસાની યાદ આવી રહી છે જે ક્યારેક સમગ્ર કાઠિયાવાડનું ગૌરવ હતું. માણાવદરના આ ઐતિહાસિક સ્વિમિંગ બાથની હાલત અત્યારે અત્યંત બદતર થઈ ગઈ છે. જેને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેને તાત્કાલિક રીપેર કરવાની માંગ ઉઠી છે.
200 રજવાડાઓમાં પણ નહોતું એવું આરસપહાણનું સ્થાપત્ય
ઇતિહાસના પાના ઉથલાવીએ તો, કાઠિયાવાડના 200 જેટલા રજવાડાઓમાં કોઈ પણ રાજવી પાસે ન હોય તેવું આધુનિક અને વૈભવી સ્નાનાગાર માણાવદરમાં હતું. ‘કેસર એ હિન્દ’નો ખિતાબ મેળવનાર રાજ્યના બેગમ ફાતિમા સિદીકા બેગમની યાદમાં, તત્કાલીન નવાબ ગુલામ મોહયુદ્દિનખાન બાબીએ વર્ષ 1937 થી 1939 દરમિયાન આ અદભુત ‘સિદીકા સ્વીમીંગ બાથ’નું નિર્માણ કરાવ્યું હતું. વર્ષ 1939માં ઈ.સી. ગિબ્સના હસ્તે આ ભવ્ય સ્નાનાગાર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
અંડરગ્રાઉન્ડ પિત્તળની પાઇપો અને POPની સજાવટ
આ સ્વિમિંગ બાથની ભવ્યતા એ વાત પરથી સમજી શકાય છે કે તે આખેઆખું આરસ અને સંગેમરમરના પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું. તેના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સુંદર પગથિયાં અને વચ્ચે સ્વિમિંગ માટેનો મોટો કુંડ આવેલો છે. આ કુંડમાં પાણી ભરવા માટે તે જમાનામાં અંડરગ્રાઉન્ડ પિત્તળની પાઇપલાઇનો નાખવામાં આવી હતી. એટલું જ નહીં, તેની છત પર પ્લાસ્ટર ઓફ પેરિસ અને આકર્ષક ફૂલવેલીઓની નકશીકામ કરીને તેને અત્યંત મોહક લુક આપવામાં આવ્યો હતો. અહીં સ્નાન કર્યા પછી કપડાં બદલવા માટે અનેક નાના ડ્રેસિંગ રૂમો અને દર્શકો માટે ગેલેરીઓ પણ બનાવવામાં આવી હતી.
નવાબો અને રમતવીરોનું મનપસંદ સ્થળ, સામાન્ય પ્રજાને પણ મળતો લાભ
ભૂતકાળમાં માણાવદરમાં બહારથી હોકી કે ક્રિકેટ રમવા આવતા ખેલાડીઓ અને ખુદ નવાબો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હતા. પ્રજાકલ્યાણના હેતુથી મહિનામાં બે દિવસ સામાન્ય જનતા માટે પણ આ સ્વિમિંગ બાથ ખુલ્લું મૂકવામાં આવતું હતું, જ્યાં લોકો આવીને સ્નાનનો આનંદ માણી શકતા હતા.
ભવ્ય ભૂતકાળ વર્તમાનમાં વિસરાયો: તાકીદે સમારકામની માંગ
સમયનું ચક્ર એવું ફર્યું કે, આ ભવ્ય ભૂતકાળ આજે વર્તમાનમાં સાવ વિસરાઈ ગયો છે. જાળવણીના અભાવે આ કિંમતી હેરિટેજ પ્રોપર્ટી આજે ભૂતિયા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. કિંમતી કલાત્મક ચીજો અને બાંધકામ જર્જરિત થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને સામાજિક અગ્રણીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર અને પુરાતત્વ વિભાગ જાગે અને આ ઐતિહાસિક વારસાનું તાત્કાલિક સમારકામ કરાવે, જેથી આ ભવ્ય વારસો નાશ પામતો બચે અને લોકોને ઉનાળામાં તેનો ફરી લાભ મળી શકે.
તસવીર અહેવાલ :જીજ્ઞેશ પટેલ માણાવદર
Post Views: 28













