મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ પંથકમાં ગેરકાયદેસર ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 15 થી વધુ લોકોના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ભયાનક લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ રાજ્યનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સીએમ ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આ ઘટનાને માત્ર સામાન્ય અકસ્માત કે બેદરકારી ગણી શકાય નહીં, આ એક પ્રકારની નિર્મમ હત્યા (મર્ડર) જ છે. આ ગુનામાં સામેલ તમામ આરોપીઓ સામે કાનૂની કલમો હેઠળ મર્ડરનો ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.”
ફુગેવાડીમાં એક જ પરિવારના બે સગા ભાઈઓ કાળનો કોળિયો બન્યા આ ઝેરી લઠ્ઠાકાંડે અનેક પરિવારો ઉજ્જડ કરી નાખ્યા છે. પુણેના દાપોડી-ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગેરકાયદેસર ઝેરી દારૂના સેવનના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓના ટૂંકા ગાળામાં ટપોટપ મોત નીપજ્યા છે. બંને કમાઉ દીકરાઓ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઔદ્યોગિક મિથેનોલનું ઘાતક મિશ્રણ પકડાયું, મુખ્ય બૂટલેગર સહિત 8 જેલભેગા પોલીસ અને સ્ટેટ એક્સાઇઝ (રાજ્ય ઉત્પાદન શુલ્ક) વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન એ ચોક્કસ અડ્ડો શોધી કાઢવામાં આવ્યો છે જ્યાં આ દેશી દારૂ બનાવવામાં આવતો હતો. ફોરેન્સિક નિષ્ણાતોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દેશી દારૂમાં આશરે ૨૧૫ લીટર અત્યંત ઝેરી અને જીવલેણ ઔદ્યોગિક ‘મિથેનોલ’ કેમિકલ ભેળવવામાં આવ્યું હતું. આ આખા કાળા કારોબારના નેટવર્કને તોડવા માટે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ પણ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો કુખ્યાત બૂટલેગર યોગેશ વાનખેડે આ ઘાતક કેમિકલયુક્ત જથ્થો સપ્લાય કરવાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે, જેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરાઈ છે.
ટોચના અધિકારીઓ મેદાને, પોલીસ કમિશનર રૂબરૂ દોડ્યા મુખ્યમંત્રીના કડક આદેશ બાદ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમાર અને ઉચ્ચ અધિકારીઓની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી છે. હાલ પોલીસ અને એક્સાઇઝ વિભાગ દ્વારા અલગ-અલગ શંકાસ્પદ અડ્ડાઓ પર સપાટો બોલાવી મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ, વધુ જાનહાનિ રોકવા માટે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા અન્ય અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સર્વશ્રેષ્ઠ તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અજાણી કે ગેરકાયદેસર જગ્યાએ મળતા આવા નશીલા કે શંકાસ્પદ પદાર્થોનું સેવન ન કરે અને આવા તત્વો વિશે તાત્કાલિક પોલીસને જાણ કરે.
Post Views: 31










