વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર હર મહાદેવ’ના પવિત્ર નાદ સાથે જનસભાને સંબોધતા જણાવ્યું કે, આજે સોમનાથની પાવન ધરા પર જે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે તે જોતા એવું લાગે છે કે જાણે સમગ્ર સૃષ્ટિ ‘જય સોમનાથ’ના મંત્રથી ગુંજી રહી છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. લોકકલ્યાણ માટે વિષપાન કરનારા દેવાધિદેવ મહાદેવના શરણોમાં આજે આ ‘અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ દાદાના અનન્ય ભક્ત તરીકે મને અહીં અનેકવાર નતમસ્તક થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પરંતુ આજનો આ અવસર વિશેષ છે.
75 વર્ષ પહેલાં આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર એ માત્ર એક ઇમારતનું નવનિર્માણ નહોતું, પરંતુ તે ભારતની અસ્મિતાના પુનરુત્થાનનો શંખનાદ હતો. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે, જો 1947માં ભારત રાજકીય રીતે આઝાદ થયું, તો 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાની જાહેરાત કરી હતી. આ ઘટના એ વાતનું પ્રતીક છે કે ભારતે માત્ર વિદેશી શાસનમાંથી મુક્તિ જ નથી મેળવી, પરંતુ પોતાના ભવ્ય વારસા અને ગૌરવને પણ પુનઃ સ્વીકાર્યું છે.
ઐતિહાસિક સંદર્ભ આપતા તેમણે યાદ કર્યું કે, આઝાદીના કાળખંડમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું સ્વરૂપ આપ્યું હતું. આજે આપણે માત્ર બે આયોજનોના ભાગ નથી બન્યા, પરંતુ ભગવાન શિવની કૃપાથી ભારતની હજારો વર્ષોની અતુલ્ય સાંસ્કૃતિક યાત્રાનો અનુભવ કરી રહ્યા છીએ. સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈને આ આધુનિક સ્વરૂપની ઉજવણી સુધીની સફર એ ભારતના આત્મગૌરવની સાક્ષી પૂરે છે.
આજનો દિવસ અન્ય એક ગૌરવશાળી ઘટના માટે પણ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. 11 મે, 1998ના રોજ આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો. આપણા વૈજ્ઞાનિકોએ ભારતની સામર્થ્યશક્તિને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરી હતી. આમ, 11 મેનો આ દિવસ ભારત માટે ‘ભક્તિ’ (સોમનાથ) અને ‘શક્તિ’ (પોખરણ)ના અદભૂત સંગમ જેવો છે. વડાપ્રધાને આ પાવન મહોત્સવ નિમિત્તે તમામ દેશવાસીઓ અને શિવભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
Post Views: 0











