છોટાઉદેપુર: ઈક્કો ગાડીના હપ્તા ભરવા વૃદ્ધાની નિર્મમ હત્યા, પગના પંજા કાપી ચાંદીના કડલાની લૂંટનો ભેદ ઉકેલાયો

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે થોડા દિવસો પૂર્વે ૭૫ વર્ષીય વૃદ્ધા દશરીબેન ભીલની થયેલી ઘાતકી હત્યા અને લૂંટનો ભેદ છોટાઉદેપુર એલ.સી.બી. (LCB) અને નસવાડી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના? ગઢબોરીયાદ ગામે રહેતા દશરીબેન ભીલની કોઈ અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી હતી. આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવતા વૃદ્ધાના માથાના ભાગે જીવલેણ હથિયારના ઘા ઝીંક્યા હતા અને ત્યારબાદ તેમના પગમાં પહેરેલા આશરે એક કિલો ચાંદીના કડલા (કિંમત ₹૨,૫૦,૦૦૦/-) ચોરવા માટે વૃદ્ધાના બંને પગના પંજા કાપી નાખ્યા હતા. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો.

પોલીસ તપાસ અને ખુલાસો: ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલ.સી.બી. અને નસવાડી પોલીસની ટીમો કામે લાગી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે રણજીતભાઈ ઉર્ફે રંગો વિનુભાઈ ભીલ અને બિપીનભાઈ ઉર્ફે વિકો ભીલની અટકાયત કરી હતી.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી રણજીત પર ઈક્કો ગાડીના હપ્તા બાકી હતા અને માથે દેવું વધી ગયું હતું. આ આર્થિક ભીંસમાંથી બહાર આવવા માટે તેણે બિપીન સાથે મળી વૃદ્ધાને લૂંટવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું.

મુદ્દામાલ રિકવર: પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટાયેલા ચાંદીના કડલા સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE