તેલંગાણા હાઈકોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, પતિના રોડ અકસ્માતમાં મૃત્યુ બાદ વિધવાને મળતા વળતરનો હક માત્ર તેના પુનઃલગ્ન કરવાથી સમાપ્ત થઈ જતો નથી. તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ એમ. જી. પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે, ફરીથી લગ્ન કરવાને એ આર્થિક નુકસાનની ભરપાઈ તરીકે ગણી શકાય નહીં, જે મહિલાને તેના પ્રથમ પતિના મૃત્યુથી થઈ હતી.
પુનઃલગ્નથી વળતરનો હક ખતમ થતો નથી
હાઈકોર્ટે કહ્યું કે જો મહિલાનો મૃતક પતિ જીવિત હોત તો તેના પુનઃલગ્નનો પ્રશ્ન જ ઊભો ન થાત. પતિના મૃત્યુ બાદ મહિલાને જે માનસિક અને આર્થિક નુકસાન થાય છે, તેને કોઈ પુનઃલગ્ન દ્વારા સંપૂર્ણ રીતે ભરી શકાતું નથી. હાઈકોર્ટે એ પણ સ્વીકાર્યું કે સમાજમાં ફરીથી લગ્ન કર્યા પછી પણ મહિલાને પહેલા જેવી સુરક્ષા અને સામાજિક દરજ્જો મળતો નથી… તેથી વળતરનો હક જળવાઈ રહે છે.
માતા અને પત્નીને અલગ-અલગ ક્લેમ મળ્યો હતો
આ કેસ વર્ષ 2000માં થયેલા એક રોડ અકસ્માત સાથે જોડાયેલો છે.જેમાં નાગરાજુ નામના વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ, તેમની પત્ની અને માતા બંનેએ અલગ-અલગ વળતર માટે અરજી દાખલ કરી હતી. મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલે માતાને 4.20 લાખ રૂપિયા અને પત્નીને 2 લાખ રૂપિયાનો ક્લેમ મંજૂર કર્યો હતો.
સાસુએ વહુને મળેલા ક્લેમને પડકાર્યો
ત્યારબાદ મૃતક નાગરાજુની માતાએ તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરીને તેમની વહુને મળેલા ક્લેમને પડકાર્યો હતો. તેમની દલીલ હતી કે વહુએ પતિના મૃત્યુના 10 મહિનાની અંદર જ પુનઃલગ્ન કરી લીધા હતા, તેથી હવે તેને ક્લેમનો કોઈ અધિકાર હોવો જોઈએ નહીં.
મૃતકના તમામ કાયદેસરના વારસદારો વળતરના હકદાર
જોકે, તેલંગાણા હાઈકોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે, મોટર વ્હીકલ એક્ટની કલમ 166 હેઠળ મૃતક નાગરાજુના તમામ કાયદેસરના વારસદારો વળતરના હકદાર છે. કાયદામાં ક્યાંય એવી જોગવાઈ નથી કે, મહિલાના પુનઃલગ્ન બાદ આ અધિકાર ખતમ થઈ જાય. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, પુનઃલગ્નને ક્લેમમાં અવરોધ બનાવી શકાય નહીં અને વિધવાના હક કાયદા હેઠળ સુરક્ષિત છે.
Post Views: 29










