ઈટાલી: ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે 2 ભારતીય નાગરિકોની ગોળી મારીને હત્યા, હુમલાખોર ફરાર

ઈટાલીમાં એક ગુરુદ્વારાની બહાર નીકળતી વખતે બે ભારતીયોની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટના ઈટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં વૈશાખી ઉત્સવ દરમિયાન બની હતી. મળતી માહિતી મુજબ, ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે બે ભારતીય પુરુષો પર ગોળીબાર કરી હુમલાખોર ફરાર થઈ ગયો હતો.

ઈટાલીના સ્થાનિક મીડિયાએ રવિવારે જણાવ્યું હતું કે, આ હુમલો શુક્રવારે મધ્યરાત્રિની થોડી મિનિટો પહેલા થયો હતો. ‘લા સિસિલિયા’ અખબારના અહેવાલ અનુસાર, આ ઘટના શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની સામેના ચોકમાં બની હતી. મૃતકોની ઓળખ કોવોના રહેવાસી રગીન્દર સિંહ (48 વર્ષ) અને અગ્નાડેલ્લોમાં રહેતા ગુરમીત સિંહ (48 વર્ષ) તરીકે થઈ છે.

આ રીતે ઘટનાને અંજામ આપ્યો

રિપોર્ટ અનુસાર, હુમલાખોર આ પુરુષોની નજીક આવ્યો, તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી કારમાં બેસીને ભાગી ગયો હતો. પ્રાથમિક તપાસમાં અચાનક થયેલા ઝઘડા બાદ હિંસા થઈ હોવાની શક્યતાને નકારી દેવામાં આવી છે. તપાસકર્તાઓ આ ઘટનાને “ઠંડા કલેજે કરેલું આયોજનબદ્ધ હત્યાકાંડ” (Pre-planned murder) માનીને તપાસ કરી રહ્યા છે.

ઘટનાસ્થળેથી લગભગ દસ ખાલી કારતૂસ મળી આવ્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ પત્રકારોને જણાવ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિ પણ “એક ભારતીય” જ હતો. જે વારંવાર આ ગુરુદ્વારામાં આવતો-જતો હતો. સાક્ષીના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં ત્રીજી એક વ્યક્તિ પણ ઘાયલ થઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના બીજા દિવસે એટલે કે શનિવારે સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને વૈશાખીના સત્તાવાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE