ફરીથી કોવિડ જેવા લોકડાઉનની માંગ: આ જીવલેણ બીમારીએ મચાવ્યો કહેર

યુનાઇટેડ કિંગડમ (UK) હાલમાં ગંભીર ચેપી રોગ મેનિનજાઇટિસ (Meningitis) ના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. અહીં યુનિવર્સિટી ઓફ કેન્ટમાં છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ઘણી ઝડપથી બગડી છે. એક સોશિયલ ઇવેન્ટ દરમિયાન મેનિનજાઇટિસ ફેલાવાને કારણે અનેક વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓના મોત પણ થયા.સંક્રમિતોની સંખ્યા હવે વધીને 20 થી વધુ થઈ ગઈ છે. જેમાંથી 9 કેસની લેબમાં પુષ્ટિ થઈ છે અને 11 કેસોની તપાસ હજુ ચાલુ છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ જણાવ્યું કે, મેનિનજાઇટિસના કારણે સ્થિતિ ઝડપથી વણસી છે અને વિદ્યાર્થીઓમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. આથી, વિદ્યાર્થીઓના એક જૂથે સંસ્થાને તેમની સુરક્ષા માટે વધુ પ્રયાસો કરવા અપીલ કરી છે. માંગ કરવામાં આવી છે કે, સંક્રમણ અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે ફરીથી કોવિડ જેવું લોકડાઉન લાદવામાં આવે.

નોંધનીય છે કે, મેનિનજાઇટિસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે. દર્દીઓમાં મગજ સંબંધિત અનેક પ્રકારની જટિલતાઓનું જોખમ રહેલું છે.

મેનિનજાઇટિસના વધતા કેસોએ ચિંતા વધારી

UKHSA એ મેનિનજાઇટિસના પ્રસારને પહેલાથી જ ‘રાષ્ટ્રીય ઘટના’ જાહેર કરી દીધી છે. હવે યુનિવર્સિટી ઓફ કેન્ટના વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે, કેમ્પસ તાત્કાલિક બંધ કરવામાં આવે. આ સંબંધિત એક અરજી (Petition) પર અત્યાર સુધીમાં લગભગ છ હજાર વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં સંક્રમણ રોકવા માટે જરૂરી નિયંત્રણો લાદવાની માંગ કરવામાં આવી છે.

  • યુનિવર્સિટી ઓફ કેન્ટ સિવાય લંડન અને ફ્રાન્સમાં પણ સંક્રમણના કેટલાક કેસો સામે આવ્યા છે.

  • અહેવાલો અનુસાર, દવાની દુકાનો રસી (Vaccine) અને એન્ટિબાયોટિક્સની માંગ પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે.

  • નેશનલ ફાર્મસી એસોસિએશને પુષ્ટિ કરી છે કે, હાલમાં ખાનગી રીતે ખરીદવા માટે ‘મેનિનજાઇટિસ બી’ રસી ઉપલબ્ધ નથી.

  • યુનિવર્સિટી આરોગ્ય અધિકારીઓના સહયોગથી 5,000 થી વધુ વિદ્યાર્થીઓને રસી અને એન્ટિબાયોટિક્સ આપી રહી છે.

  • જો કે, અરજી કરનાર વિદ્યાર્થીઓનું માનવું છે કે, સંસ્થાએ સુરક્ષા માટે હજુ વધુ કડક પગલાં લેવા જોઈએ.

શું કહે છે અધિકારીઓ?

હાલમાં યુનિવર્સિટીના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ પબ્લિક હેલ્થ ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છે અને કેમ્પસ ખુલ્લું રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ સતત તાવ, માથાનો દુખાવો, ગરદનમાં જકડન અથવા ઉલટી જેવા લક્ષણો પર નજર રાખે અને જો આવા લક્ષણો દેખાય તો તરત જ તબીબી મદદ લે.

યુનિવર્સિટી ઓફ એક્સેટર મેડિકલ સ્કૂલના સિનિયર ક્લિનિકલ લેક્ચરર ડો. ભરત પંખાનિયા કહે છે કે, “આ આઉટબ્રેકનો સામનો કરવાની મુખ્ય રીત ટાર્ગેટેડ એન્ટિબાયોટિક્સ આપવી છે.લોકડાઉન કે મોટા પાયે નિયંત્રણો લાદવા નહીં.”

‘સુપર-સ્પ્રેડર’ ઇવેન્ટથી ફેલાયું સંક્રમણ

આ પ્રકોપ ગયા અઠવાડિયે કેન્ટરબરીના ‘ક્લબ કેમિસ્ટ્રી’ નાઇટક્લબથી શરૂ થયો હતો. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આ એક ‘સુપર-સ્પ્રેડર’ ઇવેન્ટ સાબિત થઈ શકે છે અને આગામી દિવસોમાં કેસોમાં વધારો થવાની આશંકા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આપણે સૌ જાણીએ છીએ કે મેનિનજાઇટિસ કેટલું ગંભીર હોઈ શકે છે. જો કે, સાવચેતી રાખીને તેના પ્રસારને નિયંત્રિત કરી શકાય છે. આ બીમારી માત્ર નજીકના સંપર્કથી ફેલાય છે. જેમ કે ડ્રિંક્સ કે ખાવાની વસ્તુઓ શેર કરવાથી અથવા કિસ કરવાથી. તે ટ્રેન જેવી સામાન્ય ભીડભાડ વાળી જગ્યાઓથી ફેલાતી નથી.તેથી મોટા સ્તર પર પ્રતિબંધો લાદવાનો કોઈ અર્થ નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE