‘મેં ધંધાથી પૈસા કમાયા, રાજકારણથી નહીં’: વિવાદિત નિવેદન બાદ અમૂલ ડિરેક્ટર વિપુલ પટેલની સ્પષ્ટતા

ખેડા જિલ્લાના ભાજપ અગ્રણી અને અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલ અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નડિયાદમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ‘રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા’ હોવાના નિવેદને વિવાદ પકડતા, તેમણે હવે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.

શું હતો સમગ્ર વિવાદ?

નડિયાદ ખાતે આયોજિત ‘એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશન’ના રજત જયંતી મહોત્સવમાં વિપુલ પટેલે મંચ પરથી જાહેરમાં એક ચોંકાવનારું વિધાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે:

મેં સારામાં સારો ધંધો કર્યો, મોભો મેળવ્યો અને ઘણા રૂપિયા બનાવ્યા. કોઈ નેતા નહીં કહે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા છે.”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ નિવેદન વાયરલ થતા જ રાજકીય વિશ્લેષકોએ સવાલો ઉઠાવ્યા હતા કે, શું રાજકારણ હવે જનસેવાને બદલે માત્ર કમાણીનું સાધન બની ગયું છે?

વિપુલ પટેલની સ્પષ્ટતા: “મશ્કરી કરનારાઓને વળતો જવાબ આપ્યો હતો”

ચારેબાજુથી ઘેરાયા બાદ વિપુલ પટેલે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમની સ્પષ્ટતાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:

  • વ્યવસાયિક કમાણી: વિપુલ પટેલે સ્પષ્ટ કર્યું કે, તેમણે સંપત્તિ પોતાના ધંધા (Business) દ્વારા જ બનાવી છે. જોકે, રાજકારણમાં હોવાને કારણે તેમને વ્યાવસાયિક ક્ષેત્રે પરોક્ષ લાભ મળ્યા હોઈ શકે છે.

  • આવેશમાં આપેલું નિવેદન: તેમણે ઉમેર્યું કે કાર્યક્રમમાં હાજર કેટલાક વ્યક્તિઓ તેમની મશ્કરી કરી રહ્યા હોય તેવું લાગતા, તેમને જડબાતોડ જવાબ આપવા માટે તેમણે આવેશમાં આવીને આવું કહ્યું હતું.

  • અન્ય નેતાઓ પર નિશાન: પોતાની સ્પષ્ટતા દરમિયાન તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “આજે અનેક નેતાઓ પાસે 8-8 ગાડીઓનો કાફલો હોય છે. આ લોકો આટલા પૈસા ક્યાંથી લાવે છે? ઘણા નેતાઓએ રાજકારણમાં આવ્યા બાદ જ અઢળક સંપત્તિ બનાવી છે.”વિપુલ પટેલની આ સ્પષ્ટતા બાદ પણ રાજકીય ગલિયારાઓમાં ગણગણાટ યથાવત છે..ખાસ કરીને ચૂંટણીના માહોલમાં ભાજપના જ નેતા દ્વારા રાજકારણમાં કમાણીના મુદ્દે કરાયેલી આ ટિપ્પણી પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE