“રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ રણવીર સિંહની ‘ધુરંધર 2’: શીખ સમુદાયે મોકલી કાનૂની નોટિસ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ”

ફિલ્મ ‘ધુરંધર 2’ નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.. ત્યારે શીખ સમુદાય તરફથી ફિલ્મને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે.આ ફિલ્મ 19 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

કોણે અને શા માટે મોકલી નોટિસ?

વિકી થોમસ સિંહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ અભિનેતા રણવીર સિંહ અને ફિલ્મના દિગ્દર્શક-નિર્માતા વિરુદ્ધ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફિલ્મમાં શીખ સમુદાયની છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો છે.

ધાર્મિક લાગણી દુભાવવાનો ગંભીર આરોપ

નોટિસ અનુસાર, શીખ ધર્મમાં તમાકુનું સેવન અને ધૂમ્રપાન સખત નિષિદ્ધ છે અને તેને ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ માનવામાં આવે છે. ‘ધુરંધર 2’ માં એક શીખ પાત્રને ધૂમ્રપાન કરતું દર્શાવવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર શીખ સમાજની લાગણી દુભાઈ છે. ફરિયાદકર્તાએ માંગ કરી છે કે, ફિલ્મ, પોસ્ટર અને ટ્રેલરમાંથી ધૂમ્રપાનના તમામ દ્રશ્યો હટાવવામાં આવે અને ફિલ્મમેકર્સ આ ભૂલ બદલ શીખ સમુદાયની માફી માંગે.

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની ફ્રેન્ચાઈઝીએ રિલીઝ પહેલા જ વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનો પ્રથમ ભાગ ‘ધુરંધર’ 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયો હતો, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ₹1300 કરોડથી વધુ અને ભારતમાં ₹1000 કરોડથી વધુની કમાણી કરીને અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ સફળતા બાદ દિગ્દર્શક આદિત્ય ધર હવે તેનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવેન્જ’ લઈને આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE