મગફળીની ઘટતી આવકથી સિંગતેલમાં તેજી: તહેવારો પહેલાં ખાદ્યતેલના ભાવ વધ્યા

રાજકોટ: સૌરાષ્ટ્રમાં મગફળીની આવક અપેક્ષા કરતાં ઓછી રહેતા ખાદ્યતેલના બજારમાં ફરી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સિંગતેલના ભાવમાં છેલ્લા બે સપ્તાહથી સતત વધારો નોંધાતા ગ્રાહકોના રસોડાનું બજેટ ખોરવાયું છે. તહેવારો નજીક આવતા માંગમાં વધારો અને મર્યાદિત પુરવઠાને કારણે વેપારીઓ પણ ભાવમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ, છેલ્લા 15 દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બામાં રૂ. 50નો વધારો નોંધાયો છે. જેના કારણે સિંગતેલનો ભાવ વધીને રૂ. 2,820 પ્રતિ ડબ્બા સુધી પહોંચ્યો છે.

સિંગતેલ ઉપરાંત અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં રૂ. 30નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,670 થયો છે. જ્યારે પામોલીન, સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ વધારો નોંધાતા બજારમાં ખાદ્યતેલ મોંઘું બન્યું છે.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ, મગફળીની ઓછી આવકને કારણે મિલોને પૂરતો કાચો માલ મળી રહ્યો નથી, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે અને તેની સીધી અસર ખાદ્યતેલના ભાવ પર જોવા મળી રહી છે.

વેપારીઓનું માનવું છે કે જો નાફેડ દ્વારા મગફળીનું વેચાણ શરૂ કરવામાં આવશે તો બજારમાં પુરવઠો વધશે અને સિંગતેલના ભાવ સ્થિર થઈ શકે છે. હાલ ગ્રાહકોને તહેવારો પહેલાં વધતા ભાવ વચ્ચે વધુ ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE