સુરત/આણંદ: સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. બીજી તરફ આણંદ જિલ્લામાં દારૂના નશામાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપાતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને મોકલાયેલા ઈ-મેઈલમાં બપોરે 1:15 વાગ્યા સુધીમાં બંને ઓફિસ ખાલી કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલમાં સાયનાઈડ ગેસથી ભરેલા IED બોમ્બ વિસ્ફોટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ઓફિસોમાંથી કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત બહાર કાઢી સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ ધમકીભર્યા ઈ-મેઈલની સત્યતા અને તેના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે.
આ તરફ આણંદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક (જઙ) કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવા દારૂના નશામાં અકસ્માત સર્જ્યાના આરોપસર ઝડપાયા છે.
પોલીસના જણાવ્યા મુજબ પી.આઈ. વસાવાએ બોરસદ વિસ્તારમાં બેફામ કાર હંકારી પહેલા એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ વહેરા પાટિયા નજીક એક બાઈકને અડફેટે લેતા બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ પણ તેઓ કાર રોક્યા વિના નાપા તરફ ભાગી ગયા હતા.
જોકે નાપા નજીક કાર દિવાલ સાથે અથડાઈ ઝાડીઓમાં ઉતરી જતાં સ્થાનિક લોકોએ તેમને ઝડપી બોરસદ ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે વિભાગીય તપાસ પણ હાથ ધરવામાં આવી છે.










