નોઈડામાં ઈલેક્ટ્રિક બાઈકમાં સ્પાર્કિંગથી પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ: 2નાં મોત, 100થી વધુ લોકોનો જીવ બચાવાયો

નોઈડા: ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-66 સ્થિત મામુરા વિસ્તારમાં આવેલી પાંચ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી મોટી જાનહાનિ અટકાવી હતી.

પ્રાથમિક તપાસ મુજબ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરાયેલી ઇલેક્ટ્રિક બાઈકમાં થયેલા સ્પાર્કિંગ બાદ આગ ભભૂકી ઊઠી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ઈમારતને ધુમાડા અને જ્વાળાઓથી ઘેરી લીધી હતી.

આ દુર્ઘટનામાં 26 વર્ષની એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આગ ઝડપથી ફેલાતા અનેક લોકો ઇમારતમાં ફસાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો, પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન સામે આવેલી ઇમારતમાંથી સીડીઓ લગાવી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી 100થી વધુ રહેવાસીઓનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

પોલીસ અને ફાયર વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણો મુજબ આગનું કારણ ઇલેક્ટ્રિક બાઈકમાં થયેલું શોર્ટ સર્કિટ અથવા સ્પાર્કિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવશે.

આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ અને બેટરી સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE