વડોદરા: શહેરના ફતેગંજ બ્રિજ પર કોર્પોરેશનના કોંક્રિટ ડમ્પરે ફરી એક વખત અકસ્માત સર્જતાં ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચતાં વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, કોંક્રિટ ભરેલો ડમ્પર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કાબૂ ગુમાવી આગળ ચાલી રહેલા ત્રણ વાહનો સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહમાં ફતેગંજ બ્રિજ પર કોર્પોરેશનના ડમ્પરથી અકસ્માતની આ બીજી ઘટના છે. વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને સ્થાનિકો અને દૈનિક વાહનચાલકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
આ અકસ્માત બાદ વાહનચાલકોએ ફતેગંજ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ લાવવામાં આવે તો આવા અકસ્માતો અટકાવી શકાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.











