વડોદરા: બિટકોઇનમાં ઊંચા નફાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને પાદરા પોલીસે બેંગલુરુમાંથી ઝડપી પાડ્યો છે. આશરે ₹2.16 કરોડની છેતરપિંડીના આ કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલો આરોપી હવે પોલીસના હાથે ચઢતા તપાસને મહત્વની દિશા મળી છે.
પકડાયેલા આરોપીની ઓળખ જોસેફ સેમ્યુઅલ મેકવાન તરીકે થઈ છે. મિકેનિકલ ડિપ્લોમાધારક જોસેફે બિટકોઇનમાં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં મોટું વળતર મળશે તેવી લાલચ આપીને અનેક લોકોને વિશ્વાસમાં લીધા હતા.
પોલીસ તપાસ મુજબ, આરોપીએ 36 રોકાણકારો પાસેથી કુલ ₹2.16 કરોડની રકમ એકત્ર કરી હતી. રોકાણ પર આકર્ષક નફાના વાયદા કર્યા બાદ આરોપી રકમ લઈને ફરાર થઈ ગયો હતો.
પાદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે બેંગલુરુમાં સફળ ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને વડોદરા લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ હવે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગ સંડોવાયેલી છે કે નહીં, રોકાણકારોની રકમ ક્યાં ખર્ચવામાં આવી અને સમગ્ર બિટકોઇન કૌભાંડનું નેટવર્ક કેવી રીતે કાર્યરત હતું તે સહિતના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.










