રાજકોટ: ભક્તિનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 80 ફૂટ રોડ પરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ સહકાર સોસાયટી વિસ્તારમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતાં પોલીસે ચોરાયેલું વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મકવાણા, રવિભાઈ રત્નુ અને યુવરાજસિંહ જાદવને ચોક્કસ બાતમી મળી હતી કે 80 ફૂટ રોડ પર નાગરિક બેંક પાછળ આવેલા આરએમસી ક્વાર્ટર પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઉભો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાંથી જીજે-03-આરઆર-0375 નંબરની બાઇક સાથે ઉભેલા શખ્સને અટકાવી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નિલેશ ઉર્ફે જીગો બાબુ સોનીગ્રા (ઉ.વ. 42), રહેવાસી રઘુવીર સોસાયટી, શેરી નં. 4 હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બાઇકના દસ્તાવેજો માંગતાં આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ત્યારબાદ કરવામાં આવેલી સઘન પૂછપરછમાં તેણે બાઇક ચોરાઉ હોવાનું સ્વીકારી લીધું હતું. આરોપીએ આ બાઇક સહકાર સોસાયટી વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ વાહન ચોરી અંગે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ચોરાયેલું બાઇક કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીની અન્ય વાહન ચોરીના ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.










