ભાવનગર: અષાઢી બીજના પવિત્ર પર્વે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરમાં યોજાનારી 41મી શ્રી જગન્નાથજી રથયાત્રાને લઈને ધાર્મિક ઉત્સાહની સાથે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે. રથયાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભાવનગરના લીલા સર્કલ-સિદસર રોડ સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા દરમિયાન ભક્તોને 300 કિલો બુંદી પ્રસાદ, 251 કિલો ચણા પ્રસાદ તેમજ ફળ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સુરતથી આવેલી વિશેષ કીર્તન મંડળી દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાશે.
ઇસ્કોન મંદિરના અધ્યક્ષ વેણુ ગાયકદાસજીએ જણાવ્યું હતું કે, જગન્નાથ પુરીના રથની પ્રેરણાથી તૈયાર કરાયેલો 25 ફૂટ લાંબો અને હાઇડ્રોલિક વ્યવસ્થાથી 32 ફૂટ સુધી ઊંચો થતો વિશાળ રથ યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે. રથયાત્રા ઇસ્કોન મંદિરથી પ્રસ્થાન કરીને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી મંદિર ખાતે પરત ફરશે.
રથયાત્રા પૂર્વે ભગવાનની પરંપરાગત નેત્રોત્સવ વિધિ પણ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મોસાળથી પરત ફરેલા ભગવાનની વિશેષ સેવા, ઔષધીય ઉપચાર અને નેત્રોત્સવ વિધિમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી.
રાજકોટમાં પણ જગન્નાથજી મંદિર, કૈલાશધામ આશ્રમ અને નાના મવા વિસ્તારમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઇસ્કોન મંદિર દ્વારા સાંજે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ, રીબડા દ્વારા પણ વિશાળ રથયાત્રા અને ગુરુદેવ ધર્મજીવનદાસજી સ્વામીના 125મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
બાબરા ખાતે ગેબી વિસામામાં ભગવાન રામદેવજી મહારાજના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવ યોજાશે, જેમાં આરતી, સંતવાણી, પાઠ-જ્યોત દર્શન અને મહાપ્રસાદના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
ભાવનગરમાં લોખંડી સુરક્ષા કવચ
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. રથયાત્રાના રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ ઓપરેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થા માટે 15 એએસપી અને ડીવાયએસપી, 48 પોલીસ ઇન્સ્પેક્ટર, 106 સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 1,836 પોલીસ જવાનો તૈનાત રહેશે. ઉપરાંત 1,500 હોમગાર્ડ જવાનો, એસઆરપીની ચાર કંપની, 32 ઘોડેસવાર પોલીસ અને 21 ગેસમેન પણ બંદોબસ્તમાં જોડાશે.
સમગ્ર રૂટ પર 12 વોચ ટાવર, 24 વિડિયોગ્રાફર, 80 હાઈ-પાવર દૂરબીન, 140 વોકી-ટોકી તેમજ 31 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ માટે ચાર એમ્બ્યુલન્સ અને ચાર ફાયર ફાઈટર ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.











