વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની એમ.પી. વસાહતમાં આજે પણ રોડ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વરસાદી મોસમમાં રસ્તા કાદવ અને કીચડમાં ફેરવાઈ જતા ગ્રામજનોએ અંતિમયાત્રા પણ ભારે મુશ્કેલી વચ્ચે કાઢવાની ફરજ પડી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
વસાહતથી સ્મશાન સુધી પાકો રસ્તો ન હોવાથી દર વર્ષે ચોમાસામાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરની ઘટનામાં કાદવભરેલા રસ્તા પરથી અંતિમયાત્રા પસાર કરવી પડતાં વિકાસના દાવાઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાનું સરકારી બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં એમ.પી. વસાહતના લોકોને હજુ સુધી પાયાની માર્ગ સુવિધા મળી નથી. જેના કારણે નર્મદા નિગમ અને સંબંધિત વિભાગોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
ગ્રામજનોએ સરકાર અને તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે વસાહતથી સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવાની માંગણી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના વાયદા માત્ર કાગળ પર જ સીમિત ન રહે, પરંતુ લોકો સુધી મૂળભૂત સુવિધાઓ પણ પહોંચે તે જરૂરી છે.











