દ્વારકામાં બે જુદા હુમલાના બનાવોથી ચકચાર: સામૂહિક મારામારી અને ઉઘરાણીના વિવાદમાં કુલ 20 સામે ગુનો

દ્વારકા: દ્વારકામાં બે અલગ-અલગ હુમલાના બનાવોએ કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા ઉભી કરી છે. રૂપેણ બંદર વિસ્તારમાં બે યુવકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પ્રૌઢ પર સામૂહિક હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જ્યારે અન્ય ઘટનામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મુદ્દે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને બનાવોમાં પોલીસે કુલ 20 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, રૂપેણ બંદરના રહેવાસી 58 વર્ષીય ઉમરભાઈ ઓસમાણભાઈ લુચાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે ડાડા ઈબ્રાહીમ, રફીક ઈબ્રાહીમ, ઇરફાન અયુબ, ઇમ્તિયાઝ ઈસા, રસીદ રફીક, મહેબૂબ મામદ ઉર્ફે ડાડા, ફારુક ઈબ્રાહીમ, મુસ્તફા ડાડા, અસલમ મામદ, રીઝવાન રફીક, સબીર હુસેન, અંસાર અયુબ, અયુબ સુલેમાન અને જમીલ ઈસા ઇસબાણી સહિત કુલ 16 શખ્સો ગેરકાયદેસર ટોળું બનાવી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

ફરિયાદ અનુસાર, આરોપીઓએ ઉમરભાઈ અને તેમના ભત્રીજા સાહેદ સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને પગલે દ્વારકા પોલીસે રાયોટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

બીજા બનાવમાં દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં રહેતા દેવીયાભાઈ લખમણભાઈ કારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભોગાત ગામના ખીમાભાઈ દેશુર લુણાને અગાઉ ઉછીના આપેલી રકમ પરત માંગતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આરોપ છે કે ખીમા દેશુર, પુંજા દેશુર, માધા દેશુર અને દેશુર ખીમા સહિત ચાર શખ્સોએ દેવીયાભાઈ પર હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ નોંધાયું છે.

બંને બનાવોને ગંભીરતાથી લઈને દ્વારકા પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હુમલાના કારણો અને તમામ આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE