ગુજરાતના નેશનલ હાઈવે વિકાસને મળશે નવી ગતિ: નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર: ગુજરાતમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સને વધુ ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન નવેમ્બર-2025માં યોજાયેલી અગાઉની સમીક્ષા બેઠક બાદ વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ એમ. કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડે વિવિધ પ્રોજેક્ટ્સ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંતોષકારક ગણાવ્યું હતું.

સમીક્ષા દરમિયાન વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન પ્રોજેક્ટ, મોરબી-સામખિયાળી માર્ગના સામખિયાળી-માળિયા વિભાગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર હાઈવે, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર તેમજ અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ સહિતના મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી વિસ્તૃત કરવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળના નવા માર્ગ પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકાર ઝડપથી દરખાસ્તો મોકલે તેવી પણ તેમણે સૂચના આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ માર્ગોના DPR તૈયાર થવાના તબક્કે જમીન સંપાદનની પ્રક્રિયા સરળ બનાવવા માટે ગુજરાત સરકારે અપનાવેલી બિનખેતી મંજૂરી સંબંધિત 60 દિવસની વિશેષ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતનું આ મોડલ સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય બની શકે છે અને અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક સાબિત થઈ શકે છે.

બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર આલોક દીપાંકર, માર્ગ પરિવહન મંત્રાલયના ચીફ એન્જિનિયર મનોજ કુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, માર્ગ અને મકાન વિભાગના સચિવ પ્રભાત પટેલિયા, ખાસ સચિવ ગાંધી તેમજ NHAI અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં માર્ગ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અને વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE