નવી દિલ્હી: ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-2026 દરમિયાન રાજ્યને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના હસ્તે યોજાયેલા સમારોહમાં ગુજરાત વતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયત ક્ષેત્રે અપનાવવામાં આવેલી આધુનિક નીતિઓ, નવાચાર અને ખેડૂતોના સતત પરિશ્રમના પરિણામે ગુજરાતને આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. તેમણે આ એવોર્ડ રાજ્યના લાખો ખેડૂતો, બાગાયત સાથે જોડાયેલા કર્મયોગીઓ અને કૃષિ વિભાગની સમગ્ર ટીમને સમર્પિત કર્યો હતો.
‘એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ’ દ્વારા વર્ષ 2008થી આપવામાં આવતો આ એવોર્ડ દેશના કૃષિ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં જ્યુરી દ્વારા વિવિધ માપદંડોના આધારે વિજેતા રાજ્યની પસંદગી કરવામાં આવે છે.
ગુજરાત અગાઉ પણ કૃષિ ક્ષેત્રે અનેક વખત રાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યું છે. વર્ષ 2009 અને 2014માં રાજ્યને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2018માં ફરી શ્રેષ્ઠ કૃષિ રાજ્ય અને 2019માં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પણ ગુજરાતને આ જ એવોર્ડથી નવાજવામાં આવ્યું હતું.
સાત વર્ષ બાદ ફરી એકવાર બાગાયત ક્ષેત્રે મળેલું આ રાષ્ટ્રીય સન્માન રાજ્યની કૃષિ વિકાસયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ એવોર્ડ રાજ્યમાં આધુનિક કૃષિ, બાગાયત વિકાસ અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાતની કૃષિ નીતિઓ, બાગાયત વિકાસ અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવેલા આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે રાજ્ય સરકાર અને ગુજરાતના ખેડૂતોને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.










