નવી દિલ્હી: દવાઓના ગેરવપરાશ પર અંકુશ લાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 12 ટકા કરતાં વધુ આલ્કોહોલ ધરાવતી તમામ દવાઓને ‘શેડ્યૂલ H-1’ શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ આવી દવાઓ હવે માત્ર નોંધાયેલા તબીબના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ વેચી શકાશે.
નવા નિયમો અનુસાર, કેમિસ્ટ અને મેડિકલ સ્ટોર સંચાલકોએ આવી દવાઓના વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવો ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને કફ સિરપ, મેડિકેટેડ ટોનિક અને વધુ આલ્કોહોલ ધરાવતી અન્ય દવાઓના વેચાણ પર સીધી અસર પડશે.
અત્યાર સુધી કેટલીક કફ સિરપ અને ટોનિક સરળતાથી પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ હતી. પરંતુ હવે 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી કોઈપણ દવા ખરીદવા માટે ડૉક્ટરની માન્ય પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવું ફરજિયાત રહેશે.
ભારતીય દવા નિયમો મુજબ શેડ્યૂલ H-1 હેઠળ આવતી દવાઓના વેચાણ પર વિશેષ દેખરેખ રાખવામાં આવે છે. દવા વેચનારોએ ખરીદનારની વિગતો અને વેચાણનો રેકોર્ડ નિર્ધારિત સમય સુધી સાચવવાનો રહેશે, જ્યારે સંબંધિત સરકારી એજન્સીઓ સમયાંતરે તેની ચકાસણી કરશે.
સરકારનું માનવું છે કે આ નવા નિયમોથી આલ્કોહોલ ધરાવતી દવાઓનો ગેરકાયદેસર અને બિનજરૂરી ઉપયોગ અટકશે, દર્દીઓની સલામતી વધશે અને દવાઓનો ઉપયોગ માત્ર તબીબી સલાહ મુજબ જ સુનિશ્ચિત થઈ શકશે.










