દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન દોડવા તૈયાર: જુલાઈમાં વડાપ્રધાન મોદી કરશે લોન્ચ, ગ્રીન રેલવે યુગની થશે શરૂઆત

નવી દિલ્હી: ભારતીય રેલવે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. દેશની પ્રથમ હાઈડ્રોજન મલ્ટિપલ યુનિટ (HMU) ટ્રેન હવે કોમર્શિયલ સંચાલન માટે સંપૂર્ણ તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અથવા 17 જુલાઈએ આ ટ્રેનને લીલીઝંડી બતાવે તેવી શક્યતા છે, જેમાં 17 જુલાઈએ લોન્ચિંગ થવાની વધુ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડીએમયુ અને ઈએમયુની તર્જ પર તૈયાર કરાયેલી આ અત્યાધુનિક ટ્રેન શરૂઆતમાં હરિયાણાના સોનીપત–જીંદ રૂટ પર દોડશે. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન સપ્તાહમાં છ દિવસ સેવા આપશે, જ્યારે એક દિવસ જાળવણી (મેન્ટેનન્સ) માટે રાખવામાં આવશે. દરરોજ ટ્રેનના બે ફેરા યોજાશે.

ટ્રેનમાં એક વખત હાઈડ્રોજન ઈંધણ ભર્યા બાદ તે અંદાજે 350થી 360 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે. ઈંધણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં માત્ર બે જ ફેરા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કુલ 10 કોચ ધરાવતી આ ટ્રેનમાં 8 કોચ મુસાફરો માટે રહેશે અને તેમાં અંદાજે 2,600 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનમાં આઠ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ લગાવવામાં આવ્યા છે, જે તેને સંપૂર્ણ પર્યાવરણમૈત્રી અને પ્રદૂષણમુક્ત બનાવે છે.

ટ્રેનની મહત્તમ તકનીકી ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે, પરંતુ શરૂઆતના કોમર્શિયલ સંચાલનમાં તેને 75 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડાવવામાં આવશે.

ભારતીય રેલવે ભવિષ્યમાં આ હાઈડ્રોજન ટ્રેનને દિલ્હી, હરિયાણા સહિત અન્ય મહત્વના રૂટો પર પણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. મેન્ટેનન્સ માટે ટ્રેનને સોનીપતથી દિલ્હીના શકુરબસ્તી યાર્ડ સુધી લઈ જતી વખતે હાઈડ્રોજન સિસ્ટમના બદલે સામાન્ય એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે.

દેશમાં પ્રથમ વખત હાઈડ્રોજન ઈંધણ આધારિત ટ્રેન શરૂ થવાથી સ્વચ્છ ઊર્જા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને આધુનિક રેલવે વ્યવસ્થાને નવી દિશા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE