ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર: હવે ઓસ્ટ્રેલિયા ભારતને આપશે યુરેનિયમ, ગગનયાન મિશનમાં પણ કરશે સહયોગ

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવતા ઐતિહાસિક પરમાણુ કરાર પર મહોર લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ યુરેનિયમ સપ્લાય સહિત સંરક્ષણ, ઊર્જા, અવકાશ, વેપાર અને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ કરારોની જાહેરાત કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાથી મળનારો યુરેનિયમ પુરવઠો ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને નવી ગતિ આપશે. સાથે જ બંને દેશો મળીને ક્રિટિકલ મિનરલ કોરિડોર વિકસાવશે, જે ભવિષ્યના ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

અવકાશ ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સહયોગ વધશે. ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુઓ પર સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ સ્થાપિત કરવામાં આવશે, જે ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન માનવ અવકાશ મિશનને ટેકનિકલ સહયોગ પૂરો પાડશે.

વડાપ્રધાન મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોને ક્રિકેટ સાથે સરખાવતા કહ્યું કે, “અમારી બેઠકો વનડે જેવી આયોજનબદ્ધ, નિર્ણયો T-20 જેવી ઝડપી અને ભાગીદારી ટેસ્ટ મેચ જેટલી મજબૂત અને લાંબા ગાળાની છે.”

આતંકવાદ સામે બંને દેશોએ સંયુક્ત લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોદીએ જણાવ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે ગંભીર ખતરો છે અને બંને દેશો આ પડકાર સામે મળીને કામ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જણાવ્યું કે 2015ના ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સહયોગ કરાર હેઠળ હવે ભારતને યુરેનિયમ નિકાસ માટેની પ્રક્રિયાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે.

બંને દેશોએ Australia–India Cyber, Critical Technology and Supply Chain (PACTS) Partnership શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. આ ભાગીદારી હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, સાયબર સુરક્ષા અને ડિજિટલ સપ્લાય ચેઇન જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને સહયોગ વધારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના કુલ યુરેનિયમ ભંડારમાંથી અંદાજે 28 ટકા જથ્થો ઓસ્ટ્રેલિયા પાસે છે. આ કરારથી ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમને લાંબા ગાળે સ્થિર ઇંધણ પુરવઠો મળશે અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે દેશની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE